આજે કંઈક અલગ જ વિષય પર વિચાર-વિમર્શ કરવો છે. સાહિત્યલેખનમાં આ મારું પહેલું સોપાન છે, આથી પહેલેથી જ ક્ષમાપ્રાર્થી છું. પ્રાચીનકાળથી ઉપયોગમાં લેવાતો "વહવાયા" શબ્દ ખૂબ જ વિશિષ્ટ છે. આપણે જાણીએ છીએ કે મોટાભાગે દરજી, કુંભાર, લુહાર, સુથાર, વાળંદ એ તમામ કારીગર કે સેવાકીય પ્રવૃતિઓ કરતા જ્ઞાતિ-જાતિ કે સમાજના લોકો માટે ઉપરોક્ત શબ્દ સંયુક્ત રીતે વપરાય છે. આ શબ્દ પોતાનામાં જ એક મોટી સમાજ વ્યવસ્થા અને ઇતિહાસને સંઘરીને બેઠો છે.
ખરેખર તો આ શબ્દ વસવાટ કરવો કે રહેવું એવો અર્થ ધરાવતા સંસ્કૃત ધાતુ 'वस्'નું પ્રેરકરૂપ 'વસાવવું' ઉપરથી 'વસાવાયા' શબ્દ બનેલો છે. 'વહવાયા' શબ્દ તેનું જ અપભ્રંશ રૂપ છે.
ભગવદ્ગોમંડલમાં દર્શાવ્યા પ્રમાણે 'વહવાયા-વસવાયા' એટલે બોલાવીને વસાવેલું અથવા વસવાને બોલાવેલું તે, ગામ વસાવતા ગામના લોકોને મદદ કરવા અમુક ઠરાવથી જમીનનો બદલો આપી વસવાને બોલાવેલ કારીગર લોક; ગામ તરફથી પસાયતા આપી વસાવેલા સોની, સુથાર, લુહાર, વાળંદ, દરજી, કુંભાર, ઘાંચી, સાળવી, મોચી વગેરે લોક. આ લોકોને ગામના લોકોનું કારીગરને લગતું કામ તથા ગામમાં આવતા સરકારી કારભારીઓનું કામ મફતમાં કરી આપવું પડતું. તેમના કામના બદલામાં આવા કારીગર કુટુંબના ભરણપોષણ માટે વસ્તુ- વિનિમય પ્રથા અસ્તિત્વમાં હતી; વસ્તુ-વિનિમય એટલે સેવાના બદલામાં સેવા કે અનાજ વગેરે આપવામાં આવતું.
કોઈપણ ગામ સોની, સુથાર, લુહાર, વાળંદ, દરજી, કુંભાર, ઘાંચી, સાળવી, મોચી વગેરે સંપૂર્ણ કારીગર વર્ગનું ન હોય, કેમકે જો એમ થાય તો એકબીજાને આજીવિકા મળી શકે નહીં. જૂના કાળમાં એક સમાજ વ્યવસ્થા હતી કે જ્યારે પણ કોઈ નવું ગામ વસાવવામાં આવે ત્યારે ગામની મુખ્ય વસતી ખેડૂત હોય. ખેડૂતો પોતાનું અને પોતાના કુટુંબનું ભરણપોષણ ખેતી દ્વારા કરતા હોય, હવે નવું ગામ વસાવ્યું હોય ત્યારે સ્વાભાવિક છે કે ગામમાં કપડા સીવડાવવા, સુથારી કામ કરાવવું, લુહારીકામ કરાવવું, વાળ-દાઢી કરાવવી જેવાં કાર્યો કરતા લોકો તો હોવાના જ નહીં. તો આ સમયે પહેલેથી જ વસેલા અન્ય ગામોમાંથી આવા કારીગર વર્ગને નવા ગામમાં વસાવવા પડે. અન્ય ગામોમાંથી એક-એક કુટુંબ સોની, દરજી, કુંભાર, સુથાર, વાળંદ, ફાળવી, મોચી, મંદિરનો પૂજારી વગેરેને લાવવામાં આવતા. ગામમાંથી તેમને રહેઠાણ અને ધંધો-રોજગાર કરવા માટે જગ્યા ફાળવવામાં આવતી. આમ તેમના કુટુંબનું ભરણપોષણ થતું. સામાન્ય સંજોગોમાં તેમની આજીવિકા તેમના વ્યવસાયનાં કાર્યોમાંથી મળી જતી. પરંતુ તેમના વ્યવસાયમાંથી મળતી આવક તો ઋતુગત (સીઝનેબલ) હોય, કામની સીઝન - ઋતુ પૂર્ણ થાય કે તેઓ નવરાધૂપ બની જાય. આવા સમયે તેમની આજીવિકાનું શું ? આવા સમયે તેમની આજીવિકાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેમને ખેતીની જમીન પણ આપવાનું ઠરાવેલું. સમાજના નાનામા નાના વર્ગના હિતનું ચિંતન કરતા આપણા સમાજસેવકોએ કેટલું સૂક્ષ્મ સમાજ ચિંતન કર્યું હતું તે ઉપરના એક માત્ર શબ્દની આસપાસ વિચાર કરતા સમજ પડી જાય છે.
લેખન-સંપાદન:
અજીતકુમાર મોતીભાઈ ભાલૈયા
આચાર્યશ્રી, ડૉ. સી. આર. ગારડી વિદ્યામંદિર, કુંવારદ, તા - શંખેશ્વર, જિ - પાટણ, પિન - ૩૮૪૨૪૧



0 Comments