અષાઢ સુદ પૂનમ એટલે મહર્ષિ વેદવ્યાસની
પૂજાનો દિવસ.
નિર્જીવ વસ્તુને ઉપર ફેંકવા જેમ
સજીવની જરૂર પડે છે તેમ લગભગ જીવહીન અને પશુતુલ્ય બનેલા માનવને દેવત્વ તરફ મોકલવા જીવંત
વ્યક્તિની આવશ્યકતા રહેછે. આ વ્યક્તિ એટલે ગુરૂ.
ગુરૂ એટલે જે લઘુ નથી તે અને જે
લઘુને ગુરૂ બનાવે તે.
જે મનનો સ્વામી છે તે ગુરૂ.
કનક(પૈસો),
કાન્તા(સ્ત્રી) કે કીર્તિના વંટોળિયા પવનથી જે ઉડી જાય તે ગુરૂ કેવી
રીતે કહેવાય?
ગુરૂ વજનદાર હોવા જોઇએ.
જીવનના લપસણા પ્રવાહો વચ્ચે પણ
જે સ્થિર ઉભો રહી શકે તે ગુરૂ છે.
ગુરૂપૂજન એટલે ધ્યેયપૂજન.
ગુરૂ એ તો શિષ્યના જીવનનું "પેપરવેઇટ"
છે.
કુંભાર જેમ ઘડાને બહારથી ટપલાં
મારે ને અંદરથી બીજા હાથે પંપાળતો હોય છે તેમ ગુરૂ શિષ્યની નાની નાની ભુલો બતાવી તેના
જીવનને ધારેલો આકાર આપવા 'ટપલાં' મારે છે પણ અંતરથી શિષ્ય ઉપર પ્રેમ જ કરતા હોય છે.
ગુરુ એટલે શિષ્યના જીવનમાં સદ્ગુણોના
સર્જક સદ્વૃતિના પાલક. દુર્ગુણો અને દુર્વૃત્તિઓના સંહારક જીવ અને શિવનું મિલન કરાવનારા.
તેમના એક સ્મિતથી વર્ષોનો થાક દૂર થાય છે.
તેમની અમીભરી દ્રષ્ટિ પડતાં જ મનની
મલિનતા દૂર થાય છે.
આવા ગુરૂનું પૂજન એ ભારતીય પરંપરા
છે.
વિત્ત(પૈસો)નું હરણ કરનાર નહીં
પણ ચિત્તનું હરણ કરે તે સાચા ગુરુ.
ગુરૂપૂજન એટલે સત્યનું પૂજન.
ગુરૂપૂજન એટલે જ્ઞાનનું પૂજન.
ગુરૂપૂજન એટલે અનુભવોનું પૂજન.
પરંતુ આ કાળમાં આવા ગુરૂ ન મળે
તો?
"કૃષ્ણમ્ વંદે જગદ્ગુરુમ્"
ભગવાન કૃષ્ણને ગુરૂ બનાવી, એ જગદ્ગુરૂએ ગીતામાં આપેલા આશ્વાસનો ઘરે ઘરે, ગામે ગામ
પહોંચાડી, સૂતેલામાં જાગૃતિ લાવીએ તો સાચી ગુરૂપૂર્ણિમા ઉજવી
કહેવાય.


0 Comments