Header Ad 728*90

હવે શિક્ષકોની શું જરૂર છે ? વર્ગખંડની આસપાસ.

હવે શિક્ષકોની શું જરૂર છે ? વર્ગખંડની આસપાસ


 

વર્ષ:૨૦૦૩

ભાવનગરની શ્રી ગુલાબરાય હ. સંઘવી બી.એડ્.કૉલેજ.

અમારાં પ્રથમ તાસનો શુભારંભ ડૉ.મનહર ઠાકર સર કરતા.

શ્વેત શ્યામ મિશ્રિત દાઢી. ચપોચપ હોળેલા વાળ. શ્વેત પરિધાન. સાદગી અને ઉચ્ચવિચારો આંખોથી છલકાય ! તેઓ શ્યામફલક પર નોંધ કરતાં ત્યારે શ્વેત રજકણોમાં ત્રિભેટો રચાતો... અધ્યાપક, અધ્યેતા અને અધ્યેતાંના વાલીઓ. ટૂંકમાં કહું તો મનહર ઠાકર સર અમારાં બધાં માટે કેળવણીની ક થી જ્ઞ સુધીની બારાક્ષરી !

તેઓ કહેતા કે એકવીસમી સદી એ ‘જ્ઞાનની સદી’ છે. વર્ગમાં તમારી સામે બેઠેલો બાળક તમારાથી વધારે જાણતો હશે ! ‘માહિતીના વિસ્ફોટ’માં તમારે સતત જાગૃત રહેવું પડશે. આવા સમયે જો શિક્ષક ‘જ્ઞાનની આરાધના’ વગર વર્ગખંડમાં જશે તો તેનાં ચાર-પાંચ બાળકો જ સાહેબની ટીંગાટોળી કરીને બારીમાંથી બહાર ફેંકી દેશે.

જો તમારાં કરતાં તમારો વિદ્યાર્થી વધારે જાણતો હશે તો ???

જો તમારાંથી તમારો વિદ્યાર્થી ચડિયાતું પ્રદર્શન કરતો હશે તો ???

તમારાં જ્ઞાનની ક્ષિતિજને એ આંબી જતો હશે તો ?

તો_હવે_શિક્ષકની_શું_જરૂર_છે?

સાહેબે ફેંકેલા આ વજ્ર જેવાં સવાલનો અમારી પાસે કોઈ ઉત્તર નહોતો. વર્ગમાં ચુપ્પી છવાઈ જતી. પછી....

સાહેબ_એક_વાર્તા_કહેતા..

એક ગામ. ગોપાલના મમ્મી-પપ્પા મજૂરી કરે. ગોપાલ સાતમી ચોપડી ભણે. સાતમી ચોપડી પછી ગોપાલને હાઈસ્કૂલમાં જવાનું થયું. ખર્ચો વધ્યો. ખર્ચાની સામે માં-બાપનો ઉત્સાહ પણ વધ્યો. ઉત્સાહ કેમ ન વધે ભલાં ? સાતમી ચોપડી સુધી ગોપાલ દરેક ધોરણમાં પહેલાં નંબરે આવતો.

ગામમાં કોઈક ગોપાલના બાપુને પૂછે કે: “ક્યાં સુધી ભણાવશો ગોપાલને ? તમારી હાર્યે ધંધે ચડાવી દો તો થાક ઉતારે તમારો.”

ત્યારે ગોપાલનો બાપ છાતી ફૂલાવીને ઉત્તર આપતો..

અરે ! અમે બેય જણાં રાત-દિ બળદિયાં બનીને મહેનત કરીશું. અને આ થાક ! થાક તો હવે લાકડાં હાર્યે જ બાળીશું.”

એ વાતને આજે વર્ષો વીતી ગયાં છે. આજે ગોપાલ ડોક્ટર બનીને બા-બાપુજીને લેવા માટે ગામમાં આવ્યો છે.

ગોપાલના બાપુ કહે: “અમારે શેરમાં નથી આવવું દીકરા. ગોપુ આ આપણું ગામ કે જ્યાં તને અમે મોટો કર્યો... તારી નિશાળ.. આ ખોરડું... ફળિયું.. હંધુય શેરમાં હાંભર્યા કરશે.. તમ-તારે તું જા.. સુખી થા.. પણ દીકરાં એક કામ કરજે. દર રવિવારે અમને એક ટપાલ લખજે.”

ગોપાલ ડાહ્યો દીકરો હતો. દર રવિવારે ટપાલ અચૂક લખતો.

આ બાજુ ડોસો બુધવારથી તેની ખડકી ખોલીને બેસે. ટપાલની રાહ જોવે. ઘડીએ ઘડીએ નેજવા માંડીને ખડકી સામે તાક્યા કરે. મનોમન બબડ્યા કરે કે ‘હમણાં અમારાં ગોપુની ટપાલ...’

ખડકી બહાર ટપાલી આવે.. બે આંગળીઓ વચ્ચે ટપાલ રાખીને ફળિયામાં ફેંકે... ‘ટ..પા..લ..’

ઓસરીમાં બેઠેલાં ડોસાને પગે પાંખો ફૂટે. દોડીને ટપાલ લઈને રસોડામાં ગોપાલની મા સામે ઢીંચણભેર બેસી જાય. એક શ્વાસે આખી ટપાલ વાંચી જાય. અરે ! ગાંડાની જેમ આખા દિવસમાં દસ-પંદર વખત ટપાલ વાંચે.

સાંભળ ગોપુની મા, આપણા ગોપુની ટપાલ !’

ત્રણ-ચાર વર્ષ પછી....

એક વખત બુધવારે ટપાલ ન આવી. ગુરુથી છેક રવિ સુધી ન આવી. ડોસાના ચહેરાં પર ઉદાસીનો ઢોળ ચડવા માંડ્યો. રોજ સવારે ડોસો ખડકી ખુલી રાખે; ખડકીમાંથી ટપાલને બદલે નિરાશાના વંટોળ વાયા કરે !

એક દિવસ અચાનક ટપાલીએ ટપાલ ફેંકી. પગમાં પાંખો ફૂટી. દોડીને ટપાલ હાથમાં લીધી.. ટપાલનો દીદાર કર્યો... પણ... આ શું ? ડોસાના પગ ફળિયામાં જ જડાઈ ગયાં. એક એક પગથિયું હિમાલય જેવું લાગ્યું. ઓંસરી સુધી ડોસો માંડ પહોંચી શક્યો.

ડોસાને વાર લાગી એટલે ગોપાલની મા સાડલાનો છેડો સરખો કરતી બહાર આવી. “શું થ્યું ગોપુના બાપુ ? આપડાં ગોપુની ટપાલ નથ ?”

ગોપાલના બાપુ લુખા-સુખા ડૂસકાને માંડ માંડ ગળે ઉતારીને બોલ્યાં: “ટપાલ તો આપણા ગોપાલની છે; પણ અક્ષરો ગોપુના નથી. અક્ષરો છાપેલાં છે. અક્ષરો કોમ્પ્યૂટરથી લખેલાં છે...”

ફરી વખતે અમારો આખો વર્ગ સ્તબ્ધ બની જતો. શ્વાસ અધ્ધર થઇ જતાં. ગોપુના બાપુની ઉદાસી અમારાં ખભે આવીને બેસી જતી.

પછી મનહર સર વાર્તાને આગળ ચલાવતા.

એક દિવસે ગોપાલના બાપુએ ગોપાલને ટપાલ લખી.. “જત જણાવવાનું મારા દીકરા ગોપાલને. દીકરા તું જયારે સમય મળે ત્યારે તારા હાથે લખેલી ટપાલ મોકલજે. આ કૉમ્પ્યૂટરના અક્ષરોવાળી ટપાલ નૈ !”

ભલે તમારી સામે બેઠેલું બાળક તમારાંથી વધારે જ્ઞાની હોય, હોંશિયાર હોય.. પરંતુ શિક્ષકોની જરૂર હંમેશ રહેવાની છે.

કારણ.. વિદ્યાર્થીઓમાં પ્રેમ, હૂંફ, લાગણીઓ, સ્નેહ, હેત, કરુણા અને ખેવનાનું ખેડાણ વર્ગખંડમાં શિક્ષકની હાજરીથી જ શક્ય બને છે !

આજે ઓનલાઈન સ્ટડી મટીરીયલ મળી રહે છે...

આજે ઓનલાઈન ઇન્ટરવ્યું કેમ આપવું એ શીખવી શકાય છે....

આજે ઓનલાઈન અભ્યાસ કરાવી શકાય છે..

અરે ! ઓનલાઈન કસોટી પણ આપી શકાય છે..

કિન્તુ, ઓનલાઈન બાળકના આંસુ કોણ લૂછશે ?

આજે રાજ્ય ટોપ-ટેન વિદ્યાર્થીઓ જણાવી શકાય છે..

કિન્તુ અગિયારમાં ક્રમે આવેલ વિદ્યાર્થીને હિંમતનું ભાથું શું ઓનલાઈન આપી શકાશે ???

અરે ! નાપાસ થયેલાં વિદ્યાર્થીને અર્જુનની જેમ નાસીપાસ ન થવા દઈને ફરી એને બેઠો કોણ કરશે ???

શાબાશી પણ રૂબરૂ જ આપી શકાય !

વિદ્યાર્થીને સંકલ્પબળનો સાધક-આરાધક રૂબરૂ બનાવી શકાય !

એટલે... શિક્ષકોની જરૂર છે... હંમેશ... નિરંતર... સદૈવ...

# સંકલિત

Post a Comment

0 Comments