Header Ad 728*90

કોરી આંખોમાં સપના વાવે તે શિક્ષક.

કોરી આંખોમાં સપના વાવે તે શિક્ષક,
ખોબામાં ઝાકળ લઈને આવે તે શિક્ષક.

શબ્દોનાં ભાથામાંથી છોડે એવા તીર,
પંગુને પહાડો ઓળંગાવે તે શિક્ષક.

ગ્રંથોનાં આટાપાટા ઉકેલી સૌને,
મિથ્યા ગ્રંથીઓથી છોડાવે તે શિક્ષક.

સૂરજ જેમ તપી બાળે મનનાં સંશયને,
સ્નેહ તણી વર્ષાથી ભીંજાવે તે શિક્ષક.


પંખીનો માળો જાણે ગૂંથીને  વર્ગમાં,
ટહૂંકાઓ ભીંતે જે ચિતરાવે તે  શિક્ષક.

જ્ઞાન તણા પ્રકાશે જળહળતું કરવા જગને,
શ્રદ્ધા કેરા દીપક પ્રગટાવે તે શિક્ષક.

બાળકનાં વૃંદાવન જેવા માનસપટ પર,
નિર્ભયતાની કૂંપળ ઉગાવે તે શિક્ષક.

જાદુગર જાણે કે કાચા પીંડ ઘડીને,
ચેતનવંતા શિલ્પો કંડારે તે શિક્ષક.

આંખે ગીતાકુરાનનો આંજીને સાર,
દુઃખી જનની પીડા વંચાવે તે શિક્ષક.

ફૂલોમાં ફોરમપથ્થરમાં ઈશ્વર જોવા,
માના સ્તરે જઈને સમજાવે તે શિક્ષક.

સૌજન્ય: અજ્ઞાત સર્જક

Post a Comment

0 Comments