આપણે બાળકોને આપણું એક્સટેન્શન સમજીએ છીએ. એની આવડત, પરફોર્મન્સ, સફળતા આપણા માટે પ્રેસ્ટીજ ઈશ્યુ હોય
છે. આપણે એવી ગેરમાન્યતાથી પીડાતા હોઈએ છીએ કે આપણા બાળકોના પરફોર્મન્સને આધારે આ જગત, આ સમાજ આપણને જજ કરશે. અને માટે આપણું
બાળક કોઈપણ વાત માં સામાન્ય રહી જાય, એ આપણને મંજૂર નથી હોતું. આપણી અધૂરી રહી ગયેલી ઈચ્છા, આગળ નીકળી જવાની મહત્ત્વાકાંક્ષા તથા સમાજની
તાળીઓ અને વાહવાહી ઉઘરાવવા માટે આપણે અવારનવાર આપણા બાળકોનો સાધન તરીકે ઉપયોગ કરતા
હોઈએ છીએ. અને એ નગ્ન સત્ય છે.
ઘોડા ગાડી માં બાંધેલા ઘોડાને પણ ચાબુક મારતી વખતે એવું જ સમજાવવામાં આવે છે કે તારે વજન ઉપાડીને દોડવું પડશે કારણકે એ જ તારા સારા માટે છે. અપેક્ષાઓના ખીલા સાથે બંધાઈ ગયેલા ઘોડા પાસે આ સમજણ સ્વીકાર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી હોતો. ધીમે ધીમે ઘોડો પણ એવું જ માનવા લાગે છે કે અસ્તિત્વની આ દોડમાં ટકી રહેવા માટે ભાર વહન કર્યા અને દોડ્યા સિવાય છૂટકો જ નથી.
ઘોડા ગાડી માં બાંધેલા ઘોડાને પણ ચાબુક મારતી વખતે એવું જ સમજાવવામાં આવે છે કે તારે વજન ઉપાડીને દોડવું પડશે કારણકે એ જ તારા સારા માટે છે. અપેક્ષાઓના ખીલા સાથે બંધાઈ ગયેલા ઘોડા પાસે આ સમજણ સ્વીકાર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી હોતો. ધીમે ધીમે ઘોડો પણ એવું જ માનવા લાગે છે કે અસ્તિત્વની આ દોડમાં ટકી રહેવા માટે ભાર વહન કર્યા અને દોડ્યા સિવાય છૂટકો જ નથી.
પોતાના બાળકને અસામાન્ય અને હોનહાર
સાબિત કરવાના યજ્ઞ માં દરેક
વાલીઓ મચી પડ્યા છે, પોતાના વહાલા બાળકોની આહુતિ આપવા માટે. ક્યારેક
એવું લાગે છે કે આ હરીફાઈ બાળકો વચ્ચે છે જ નહીં, વાલીઓ વચ્ચે છે. કશુંક ન આવડવાથી કે ઓછા માર્ક્સથી બાળકોને કશું જ
ફરક નથી પડતો. પીડા આપણને થતી હોય છે કારણ કે એમાં આપણ ને આપણી હાર દેખાય છે.
સફળતા-નિષ્ફળતા,આવડત-અણઆવડતના કોઈપણ જાતના લેબલ વિના
બાળક તો પોતાની મસ્તીમાં રમતું જ હોય છે.
આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણે
બાળકોને પ્રોડક્ટ તરીકે ટ્રીટ કરીએ છીએ, જીવ તરીકે નહીં. એમની કામયાબી પર એમને શાબાશી આપવા કરતા એમની સફળતા
પ્રોજેક્ટ કરવામાં અને લોકો સુધી પહોંચાડવામાં આપણને વધારે રસ હોય છે. આપણી
પ્રોડક્ટ માર્કેટમાં કેવી સરસ ચાલી રહી છે, એ વાતનો ગર્વ લેતી વખતે આપણે એ જાણતા નથી કે સોશિયલ મીડિયા કે
છાપામાં આવવા કે ન આવવાથી બાળકને તસુભાર પણ ફેર નથી પડતો. હરીફાઈની માંદી માનસિકતા
આપણે જ આપણા બાળકોને વારસામાં આપીએ છીએ.
સ્વિમિંગ, સ્કેટિંગ, ડાન્સિંગ, પેઇન્ટિંગ વગેરે પ્રવૃત્તિઓમાં સતત વ્યસ્ત રહેલા બાળક પાસે એ વિચારવાનો વિકલ્પ જ નથી હોતો કે મારે
શું કરવું છે ? બાળપણમાં કાંઈ જ ન કરવું એ પણ એક
પ્રવૃત્તિ છે, જેનાથી ઘણા બાળકો વંચિત રહી જાય છે.
કારણ કે આ સમયગાળા દરમિયાન બાળક વિચારતા શીખે છે. મોટાભાગના બાળકો આપણે આપેલા ટાર્ગેટ પૂરા કરવા માં એક 'કર્મચારી’ બનીને રહી જાય છે. પછી એ
આજીવન સ્વતંત્ર વિચારવા ને બદલે સતત કોઈ ટાર્ગેટ પૂરા કરવાની માનસિકતા થી પીડાય
છે. મિત્રો કે સંબંધીઓ સામે આપણા બાળકો ની ઉપલબ્ધીઓ રજૂ કરતી વખતે એવું નથી લાગતું
કે આપણે બાળકને ડેમો પીસ બનાવી દીધો છે? એક વાલી તરીકે એ આપણી સૌથી મોટી હાર છે જો આપણા બાળકો પણ એવું જ વિચારતા હોય
જેવું આપણે વિચારીએ છીએ. એનો અર્થ એટલો જ થાય કે આપણે બાળકોમાંથી બીબા બનાવીએ છીએ, વિચારશીલ નાગરિક નહિ.
સંદર્ભ:
અજવાળાનો ઓટોગ્રાફ,
ડો. નિમિત્ત ઓઝા,
vrushtiurologyclinic@yahoo.com
દિવ્ય ભાસ્કર , તારીખ: 6 નવેમ્બર 2019, બુધવાર, કળશ પૂર્તિ, પેજ નંબર:5


0 Comments